📰 ધોરણ-8 ના વિદ્યાર્થીઓએ વિદાય પ્રસંગે શાળાને એરકુલર ભેટ આપ્યું
ગણદેવી, તા. 28 માર્ચ 2026 (શનિવાર):
રિપોર્ટ : ચેતન પટેલ, વરિષ્ઠ પત્રકાર, SPP Bharat News
ગણદેવી તાલુકાના માછીઆવાસણ ગામે આવેલી વિદ્યામંદિર શાળામાં ધોરણ-8 ના વિદ્યાર્થીઓનો વિદાય સન્માન અને શુભેચ્છા કાર્યક્રમ ભાવુક વાતાવરણ વચ્ચે યોજાયો હતો. કાર્યક્રમ વિકાસ મંડળના પ્રમુખ શ્રી પ્રવિણભાઈ પટેલના અધ્યક્ષપદ હેઠળ યોજાયો હતો.
કાર્યક્રમ દરમિયાન ધોરણ-8 ના વિદ્યાર્થીઓએ પોતાના શાળાજીવનના સંસ્મરણો વહેંચતાં ભાવુક બની ગયા હતા. પ્રસંગે ગણદેવી તાલુકા પંચાયતના સદસ્ય શ્રીમતી ગીતાબેન પટેલ, એસ.એમ.સી.ના શિક્ષણવિદ નેમાભાઈ પટેલ, એસ.એમ.સી. અધ્યક્ષ નીતાબેન પટેલ તેમજ ધોરણ-8 ના વર્ગશિક્ષક દેવલભાઈ ટંડેલે વિદ્યાર્થીઓને પ્રેરણાદાયક સંબોધન આપ્યા હતા.
શાળાના આચાર્ય શ્રી ભૂપેન્દ્રભાઈ ખલાસીએ વિદ્યાર્થીઓને સંદેશ આપતા જણાવ્યું હતું કે, ગમે તેવી પરિસ્થિતિઓમાં પણ શિક્ષણને ક્યારેય છોડવું નહીં અને સતત પ્રગતિના માર્ગે આગળ વધતા રહેવું જોઈએ.
આ પ્રસંગે વિકાસ મંડળના સભ્યો, એસ.એમ.સી.ના સભ્યો તેમજ વિદ્યાર્થીઓના વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને આશીર્વાદ આપ્યા હતા.
વિશેષરૂપે, ધોરણ-8 ના વિદ્યાર્થીઓએ શાળાપ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે પોતાની યાદગીરી સ્વરૂપે શાળાને એક એરકુલર ભેટ આપ્યું હતું, જેનું ઉદ્ઘાટન પ્રવિણભાઈ પટેલના વરદહસ્તે કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના ઉપશિક્ષક ભાવેશભાઈ ખલાસી તથા સમગ્ર શાળા પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું.

Author: SPP BHARAT NEWS




