જંતર-મંતર પર દેશવિરોધી નારા: આખરે જવાબદાર કોણ? દેશની સુરક્ષા અને રાજકારણ વચ્ચે ઘેરાતો યક્ષપ્રશ્ન
દિલ્હી | સ્પેશિયલ એડિટોરિયલ
લેખક: પ્રકાશ દેસાઈ (Editor-In-Chief, SPP BHARAT NEWS)
રાજધાની દિલ્હીના જંતર-મંતર જેવા સંવેદનશીલ અને લોકશાહીના મંચ પરથી જ્યારે દેશવિરોધી નારા ગુંજે છે, ત્યારે દરેક દેશપ્રેમી નાગરિકનું દિલ કંપાઈ ઊઠે છે. લોકશાહીમાં વિરોધ પ્રદર્શનનો અધિકાર ચોક્કસ છે, પરંતુ દેશની અખંડિતતા અને સાર્વભૌમત્વ પર પ્રહાર કરવાની છૂટ કોઈને હોઈ શકે નહીં. આજે સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે દેશમાં આવી પરિસ્થિતિનું નિર્માણ જ કેમ થઈ રહ્યું છે? આ માટે જવાબદાર કોણ?
🛑 સિસ્ટમની નિષ્ફળતા કે અરાજકતાવાદી તત્વોનું ષડયંત્ર?
આપણા દેશમાં અસલ કહેવત છે કે “માંદા ઢોર ઉપર બગાઈ ઘણી” અથવા “જ્યાં ઘા ખુલ્લો હોય, ત્યાં જ માખી બેસે.”
જ્યારે સત્તામાં બેઠેલા તત્વો તરફથી વહીવટી જોહુકમી, પ્રજા પ્રત્યેનું બેરૂખીભર્યું વલણ અને ભ્રષ્ટાચાર વધે છે, ત્યારે સામાન્ય પ્રજામાં રોષ ઉત્પન્ન થાય છે. અને આ જ ખુલ્લા ‘ઘા’નો ફાયદો દેશવિરોધી તત્વો ઉઠાવે છે. ગુજરાતના ખેડૂતોની વ્યથા હોય કે સામાન્ય નાગરિકની મોંઘવારી અને ભ્રષ્ટાચાર સામેની લડાઈ—જ્યારે જનતા ત્રસ્ત બને છે, ત્યારે કેટલાક આતંકવાદી અને અરાજકતાવાદી પરિબળો પ્રજાના રોષને પોતાના સ્વાર્થ માટે વટાવવાનો પ્રયાસ કરે છે.
“ઘર કા ભેદી લંકા ઢાયે” — વિરોધપક્ષમાં બેઠેલા કેટલાક સ્વાર્થી નેતાઓ અને આંતરિક વિરોધીઓ બરાબર જાણે છે કે જનતા તેમને જનાદેશથી સત્તા સુધી પહોંચવા દે તેમ નથી. આથી, દેશમાં અરાજકતા ફેલાવીને સત્તા હાથવગી કરવાનો જ તેમની પાસે એકમાત્ર વિકલ્પ બચે છે.
⚖️ ૧૪૦ કરોડની વસ્તી અને નેતૃત્વનો પડકાર
આજે ઘણા લોકોને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેવા દેશદાઝ ધરાવતા નેતાની ઈમાનદારી પર સવાલ ઉઠાવવાનું મન થતું હશે, કારણ કે દેશમાં ભ્રષ્ટાચારનો ભોરિંગ હજુ પણ ફેણ માંડીને બેઠો છે. પરંતુ વાસ્તવિકતાનો સ્વીકાર કરવો રહ્યો.
- એક સામાન્ય પરિવારના ચાર સભ્યોને સાચવવામાં પણ ઘરના વડીલનું વર્ચસ્વ ક્યારેક ઓછું પડી જતું હોય છે.
- જ્યારે વડાપ્રધાન મોદીના શિરે ૧૪૦ કરોડ દેશવાસીઓની જવાબદારી છે.
જે દેશની જનતાએ ૭૦ વર્ષ સુધી અનેક મુશ્કેલીઓ વેઠી છે, તે જનતાએ આજે વિવેકબુદ્ધિ વાપરવાની ખાસ જરૂર છે. વહીવટી ક્ષતિઓ કે નેતાઓની બેરૂખી સામે અવાજ ઉઠાવવો વ્યાજબી છે, પણ એ અવાજ દેશવિરોધી તત્વોની રમતનું સાધન ન બનવું જોઈએ.
🇮🇳 જનતા માટે સાવચેતીનો સમય
હાલનો સમય દેશ માટે અને સરકાર માટે અત્યંત કપરો છે. જંતર-મંતરના મંચ પરથી દેશવિરોધી નારા લગાવીને ભારતને અરાજકતાની આગમાં ધકેલવા તલપાપડ થયેલા દેશદ્રોહી તત્વોથી જનતાએ અત્યંત સાવધ રહેવાની જરૂર છે. સરકાર માટે પણ આ સમય ગંભીર આત્મમંથન કરવાનો છે કે પ્રજામાં આક્રોશ કેમ વધી રહ્યો છે.
આપણે સરકારી નીતિઓનો વિરોધ ચોક્કસ કરીએ, પણ દેશના વિરોધીઓના હાથનું રમકડું ન બનીએ—એ જ સાચી દેશભક્તિ છે.
જય હિંદ… વંદે માતરમ્!
Author: SPP BHARAT NEWS



